જડેશ્વર ના લોકમેળાને મંજૂરી નહોતી તો આગેવાનો મોટા ઉપાડે ખુલ્લો મુકવા કેમ દોડી આવતા હશે ?

મોરબી તા. ૧૩

આખા સૌરાષ્ટ્રમાં અને કદાચ આખા ગુજરાતમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારના રોજ સ્વયંભૂ જડેશ્વર દાદાના સાનિધ્યમાં વર્ષોથી પ્રથમ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. અને આ લોકમેળો હિન્દુઓનો આસ્થાના પ્રતિક સમાન છે. અને આ લોકમેળામાં નાત જાત જોયા વગર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડે છે. ત્યારે આ વખતે હિન્દુત્વના નામે ચરી ખાતી ભાજપ સરકારના અધિકારીઓની આડોડાઈને કારણે આ લોકમેળાની મજા બગડી ગઈ હતી.

રવિવારના રોજ આગેવાનોની હાજરીમાં ખુલ્લા મૂકયેલા સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાને ખુલ્લો મુકાયાની થોડી ક્ષણો બાદ આ મેળાને બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જે લોકો આ મેળાને ખુલ્લો મુકવા આવ્યા હતા તેમાંના વાંકાનેર ના પ્રાંત અધિકારી એ જ મેળામાં લગાવવામાં આવેલ રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ નથી તેવા બહાના બતાવી તમામ મોટા રાઈડસ બંધ રાખવા આદેશ આપ્યો હતો. જેના કારણે મેળામાં રાઇડસ ની મજા માણવા આવતા લોકો નિરાશ થઈ જતા રહ્યા હતા. અને આના કારણે દર વર્ષે માનવમેદની જમાવતો આ મેળો આ વખતે સાવ નિરસ રહ્યો હતો.

આ અંગે જ્યારે આયોજકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે મોટી રાઈડસ માટે ફિટનેસ સર્ટિ માટે અરજી પહેલા જ કરવામાં આવી હતી પરંતુ સમય રહેતા મંજૂરી આપવામાં ના આવી અને અમુક મનફાવે તેવા નવા નિયમો ઉમેરવામાં આવ્યા જે અશક્ય જ છે. આથી સ્થાનિક પ્રાંતનો સંપર્ક કરતા તેમણે વચલા રસ્તાની વાત કરી હતી પરંતુ સ્થાનિક પ્રાંત અધિકારીને ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ ફોન કરતી હોવા છતાં તેઓ ફોન રિસીવ નથી કરતા અને કોઈ જવાબ નથી આપતા.

અધિકારી ને આવા વર્તનના કારણે આયોજકો તેમજ લોકોમાં ધીક્કારની લાગણી જોવા મળી રહી છે કે  હિંદુત્વના નામે ચરી ખાતી સરકારના અધિકારીઓ ઐતિહાસિક લોકમેળાના ના થાય તેના પૂરા પ્રયાસો કરી રહ્યા છે. તો આવા અધિકારીઓ ઉપર સરકારનો કંટ્રોલ નથી કે પછી ભાજપ સરકાર ના આશીર્વાદથી જ આ બધું થાય છે.