ગત ફાઇનાન્સિયલ વર્ષમાં મોરબીએ ભરેલો અંદાજીત ૨૭૬૬ કરોડનો ટેકસ શા માટે ? મોરબીવાસીઓ માં ભભૂકતો રોષ !

મોરબી તા. ૧૩

સમગ્ર મોરબી શહેર છેલ્લા ઘણા દિવસોથી મોરબી નગરપાલિકાના પાપે નર્કાગાર માં ફેરવાયું છે. મોરબી શહેરની હાલત કોઈ પછાત વિસ્તારના ગામડા જેવી થઈ ગયેલ છે હાલ મોરબીમાં મળવી જોઈતી પાયાની સુવિધા નહિવત છે. મોરબીના દરેક રોડ-રસ્તા તૂટી ગયેલ છે બિસ્માર  રોડ અને ખાડાના કારણે મોરબીની જનતા ને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે મોરબીની જનતા માટે બીજો સૌથી વિકટ પ્રશ્ન ઉભરાતી ગટરની સમસ્યા છે. સમગ્ર મોરબી શહેરમાં હાલ જ્યાં જુઓ ત્યાં ગટરો ઉભરાયેલ છે, ગટરના દૂષિત પાણી રોડ અને ઘરમાં પણ છેલ્લા બે મહિનાઓથી ઉભરાઈ રહેલ છે. નગર પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર નફટટની જેમ કોઈજ કાર્યવાહી કરતું નથી. ગટરોના પાણી ના કારણે પ્રજા ત્રાહિમામ થઈ ગયેલ છે. દરરોજ વિવિધ વિસ્તારની મહિલાઓ આ મુદ્દે નગરપાલિકાનો ઘેરાવ કરી રહેલ છે. છતાં પણ નાક-કાન વિનાની નગરપાલિકાને પેટનું પાણી પણ હલતું નથી.

તો વઘુ એક મોરબી નગરપાલિકાની બેદરકારી જોઈએ તો મોરબીની મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. વારંવાર નગરપાલિકામાં કમ્પ્લેન લખાવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. રાતના સમયે મોરબીમાં નગરપાલિકાના પાપે મોટાભાગના વિસ્તારમાં અંધકાર છવાયેલો રહે છે….

મોરબીની પ્રજાને માત્ર એક જ સવાલ થાય છે કે દરેક નાગરિક નગરપાલિકાને દર વર્ષે વેરો શા માટે ભરે છે ?  મોરબીની પ્રજાને પાયાની સુવિધા આપવામાં જો નગરપાલિકા નીષ્ફળ  રહેતી હોય તો નગરપાલિકા ને શા માટે વેરો ભરવામાં આવે ? શું માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે ? જો  નગરપાલિકા પોતાની જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્ફળ રહેતી હોય તો હોદ્દેદારો અને અધિકારીઓને પોતાની ખુરશી પર બેસવાનો કોઈ જ હક નથી એવું પ્રજા દ્વારા રોષપૂર્વક ચર્ચા થઈ રહેલ છે.લોકો દ્વારા એવી પણ ચર્ચા થઈ રહી છે કે મોરબી માં જયારથી નગરપાલિકાની સ્થાપના થઈ છે ત્યારથી લઈને આજ સુધીની સૌથી બેદરકાર અને અણવહીવટ વાળી નગરપાલિકાનો એવોર્ડ આ નગરપાલિકા બિન હરીફ જીતી જાય છે.

મોરબીની આ હાલતના કારણે મોરબીના ઉદ્યોગકારો માં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ગત વર્ષે મોરબીના ઉદ્યોગકારોએ સરકારને અંદાજિત ૨૭૬૬ કરોડનો ટેક્સ કરેલ છે. તો બુદ્ધિજીવી વેપારીઓના મનમાં પણ આ જ સવાલ થઈ રહે છે કે કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીની પ્રજા શું આવા નર્કાગાર માં રહેવા માટે ભરે છે ?