મોરબી, તા. 21 સપ્ટેમ્બર


મોરબી તાલુકાની લીલાપર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષા અને બી.આર.સી. કક્ષાનું “ડૉ. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન” યોજવામાં આવ્યું હતું. ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનના ઉદ્દઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ એસ.પારેખની ખાસ ઉપસ્થિત ઉદ્દઘાટન કરી આ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું. ‘ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનીકી’ મુખ્ય વિષય અંતર્ગત જુદા જુદા પાંચ વિભાગોમાં તાલુકામાંથી કુલ 36 કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકોએ અને માર્ગદર્શક શિક્ષકોએ પ્રદર્શનમાં ભાગ લઈ પોતાની કૃતિની સમજ આપી.નિર્ણાયક તરીકે અશોકભાઈ કામરીયા, નવીનભાઈ ભેંસદડીયા અને એન.વી. કાચરોલાએ પોતાની સેવા આપી. આ પ્રદર્શનમાં દ્વારા પસંદ થયેલ કૃતિઓ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.

સમાપન અને પ્રોત્સાહન કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા અને ઘટક સંઘના હોદ્દેદારો તેમજ શિક્ષક શરાફી મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને સન્માનિત કરાયા હતા. લીલાપર પ્રા. શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો. શાળાના પૂર્વ શિક્ષિકા ગીતાબેન દેલવાડિયા તેમજ અન્ય દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રમેશભાઈ કાલરીયાનું ખાસ સન્માન થયું. તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી ખૂબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકો પ્રદર્શન નિહાળવા પધાર્યા હતા. મોરબી તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા અને લીલાપર ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યાં. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ, બી.આર.સી.કો. ઓર્ડિનેટર સંદિપભાઈ આદ્રોજા અને તમામ સી.આર.સી.કો. ઓર્ડિનેટરઓ તેમજ લીલાપર શાળાના આચાર્ય નિલેશભાઈ પારેજીયા અને શાળા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહનું સંચાલન ઘુનડા પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેષ ઝાલરિયા દ્વારા કરાયું હતું.

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb