સમગ્ર તંત્ર ભ્રષ્ટાચારના ભરડામાં : સારો રોડ મોરબીમાં દીવો લઈને શોધવા જવો પડે તેવી સ્થિતિ !

જેટલો ટેક્સ મોરબી ચુકવે છે એ રકમનો ટેક્સ નો ભરી પ્રજા જાતે જ મોરબીના વિકાસ માં વાપરે તો મોરબી ભારતનું નંબર ૧ સ્માર્ટ સીટી બને

મોરબી તા ૦૬

મોરબીની ઓળખ જૂના જમાનામાં સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની હતી. મોરબી જૂના જમાનામાં પણ તમામ સુવિધા થી સજ્જ હતું. કારણ કે ત્યારે ભ્રષ્ટાચાર રૂપી અજગર મોરબીને કરડયો ના હતો. આજે મોરબીમાં આશરે ૧૫૦૦ થી લઈને ૨૦૦૦ જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે. જે મોરબીને સમગ્ર વિશ્વમાં સિરામિક સિટી તરીકેની ઓળખ આપે છે. થોડા સમય પહેલા એક મીડિયા ચેનલ દ્વારા કરાયેલા સર્વેમાં ભારતમાં માથાદીઠ આવકમાં મોરબી નો નંબર ટોપ લેવલ માં આવે છે. મોરબી દ્વારા અપાતા ટેકસ ની રકમ ખૂબ જ મોટા પ્રમાણમાં છે.

મોરબીવાસીઓ આવો મસમોટો ટેક્સ શું પાયાની સુવિધાઓથી વંચિત રહેવા માટે આપે છે  ? મોરબી ઉદ્યોગ રોજગારી આપવામાં પણ અગ્રેસર છે. ભારતના ઘણા રાજ્યો લોકોને મોરબી રોજીરોટી પુરી પાડે છે. જીએસટી દ્વારા સરકાર પણ મોરબીમાંથી જ કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલે છે. આટલો બધો ટેકસ ચૂકવવા છતાં શું મોરબીવાસીઓ પોતાની પાયાની સુવિધાઓ ની માંગણી ના કરી શકે ? રોડ રસ્તા અને પાણી જેવી સુવિધાઓથી પણ મોરબી ને વંચિત રાખવામાં આવે છે. મોરબી જિલ્લો બન્યા ને વર્ષો થયા છતાં આજદિન સુધી મોરબી જિલ્લા લેવલ ની સુવિધાઓ મળેલ નથી.

હાલમાં સમગ્ર ગુજરાતમાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે. ઘણા શહેરોમાં તો  એક જ દિવસમાં ૧૦ થી ૨૦ ઇંચ વરસાદ પડેલ છે છતાં પણ ત્યાંના રસ્તા મોરબી કરતાં સારી હાલતમાં છે. મોરબીમાં છેલ્લા બે વર્ષનો કુલ વરસાદ ગણી તો પણ આશરે ૧૦ ઈચ જેટલો જ થાય છે. તો પણ મોરબીના રસ્તાઓની હાલત જોઈ મોરબીવાસીઓ ને એટલો તો સવાલ થાય જ કે આપણે ટેક્સ શું કરવા ભરીએ છીએ ?

અહીં બતાવેલ ફોટા એ વાતની શંકા ઉપજાવે છે કે રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે કે શું ? આ રસ્તાઓ જોઇ એવું લાગે છે તે આ દુનિયાના અગ્રેસર સીરામીક સીટીના રસ્તા નહી પરંતુ કોઈ પછાત શહેરના રોડ રસ્તા હોય !

લોકોને રોજગારી આપવામાં પણ અગ્રેસર અને ટેક્સ ભરવામાં પણ અગ્રેસર રહેતા મોરબીના લોકો દ્વારા સરકારને માત્ર એટલો જ સવાલ પૂછવામાં આવે છે કે જેટલો ટેક્સ પ્રજા સરકારને આપે છે એટલી રકમ જો મોરબીમાં પોતે જાતે મોરબીના વિકાસ માટે વાપરે તો પણ મોરબી સમગ્ર ઇન્ડિયાનું બેસ્ટ સ્માર્ટ સિટી બની જાય તો પછી સરકાર શા માટે મોરબીની સતત અવગણના કરે છે.